Sunday, March 9, 2014

Dwarka Pravas (Aheval)



                         દ્વારકા-પ્રવાસ                                                                  ફાચરિયા પ્રાથમિક શાળામાંથી તા.8,9,10 જાન્યુઆરી
2014 ત્રણ દિવસ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરપુર, નવા રણુંજા, આરાધનાધામ, બેટ દ્વારકા, દ્વારકા, નાગેશ્વર, ગોપીતળાવ, હર્ષદ, પોરબંદર અને જુનાગઢ જેવા સ્થળોનો પ્રવાસ કરવામાં આવ્યો હતો.
           બુધવારે વહેલી સવારે 4-30 કલાકે અમારી બસ ફાચરિયાથી ઉપડી. અમારૂ પહેલું સ્થળ જલારામબાપાનું વિરપુર હતું. અમે લગભગ 8 વાગ્યે વિરપુર પહોચ્યાં. વિરપુરમાં જલારામબાપાના દર્શન કર્યા. પ્રસાદીનું ગંગાજળ પીધું, જૂના જમાનાની મોટી લોટ દળવાની ઘંટી જોઇ, રોટલી બનાવવાનું ઓટોમેટીક મશીન જોયું. જેમાં લોટ બંધાતો હતો સાથે-સાથે રોટલી વણાઈ ને શેકાતી પણ હતી. ત્યાંની એક ખાસિયત છે કે ત્યાં કોઈપણ જાતનું દાન લેવામાં આવતું નથી.  વિરપુરની બજારમાંથી બાળકોએ રમકડાંની ખરીદી કરી. વિરપુરથી અમે 10 વાગ્યે ઉપડ્યા. રસ્તામાં પાકથી લહેરાતી વાડીઓ જોતા ગુલાબી ઠંડી માણતા અમે નવા રણુંજા પહોંચ્યા. નવા રણુંજાને નાના રણુંજા પણ કહે છે. ત્યાં બાજુમાં જ મોટા રણુંજા પણ છે. ત્યાં અમે રામદેવપીરનાં દર્શન કર્યા. જે કોઇને માનતા હોય તે રામદેવપીરને લીલુડો ઘોડો અર્પણ કરતા હતા. નવા રણુંજા કાચનાં મંદીરોમાં જુદાં–જુદાં દેવી દેવતાઓની સુંદર મુર્તિઓ હતી. ઘણી શાળાઓ પણ ત્યાં પ્રવાસમાં આવેલી હતી. દરેક શાળાને  વારાફરતી પ્રસાદ લેવા બોલાવવામાં આવતી હતી. ભોજનાલયમાં જમવાની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા અદભૂત હતી. પ્રસાદ લઈને અમે બસમાં ગોઠવાયા. ત્યારપછીનું અમારું સ્થળ જામનગર પાસેનું જૈન સંપ્રદાયનું  “આરાધનાધામ”  હતું. લગભગ ચારેક વાગ્યે અમે આરાધનાધામ પહોંચ્યા. ફાસ્ટફૂડ, ઠંડાપીણા અને વ્યસનોથી આપણાં શરીરને કેટલું નુક્સાન થાય છે તેની જાણકારી બાળકોએ અહીંના પ્રદર્શનોમાંથી મેળવી. શિલ્પીઓને મુર્તિઓ કંડારતા અમે અહીં જોયાં. બાળકોએ થોડી પેટપૂજા કરી પછી અમે બેટદ્વારકા જવા રવાના થયા. બેટદ્વારકા અમે અણીનાં સમયે પહોંચ્યા. છેલ્લી બોટ ઉપડતી હતી તેમાં અમે બેટદ્વારકા જવા ગોઠવાયાં. બેટદ્વારકામાં ભગવાનશ્રીકૃષ્ણના દર્શન કર્યા. બજારમાંથી ખરીદી કરી. પછી અમે દ્વારકા જવા રવાના થયા. દ્વારકામાં અમે સ્વામિનારાયણ ગુરુકુળમાં રાત રોકાયાં. રાત્રિનાં ગુરુકુળમાં જમીને પછી બજારમાં ફરવા નીકળ્યાં. ફરીને આવીને બધા વાતો કરતાં-કરતાં સૂઈ ગયાં.
                        ગુરુવારે વહેલી સવારે ચાર વાગ્યે બહેનો બધાં ઉઠી ગયાં અને નાહીને તૈયાર થઈ ગયાં. સવારનો નાસ્તો પતાવી અમે કાળીયા ઠાકરનાં  દર્શન કર્યા. દ્વારકામાં ધજા ચડાવવાનો ખૂબજ મહીમા છે.  ગોમતીઘાટે દીવા મુક્યાં અને માછલીઓને લોટની ગોળીઓ નાંખી. ભગવાનશ્રીકૃષ્ણની છબી હાથમાં હોય તેવાં ફોટાં પડાવ્યાં.  ત્યાંથી અમે નાગેશ્વર અને ગોપી તળાવ જવા રવાના થયાં. નાગેશ્વર બાર જ્યોર્તિલીંગોમાંનું એક જ્યોર્તિલીંગ છે. ટી-સીરીઝ કંપનીનાં માલીક સ્વ. ગુલશન કુમારે તેનો જીર્ણોધ્ધાર કરાવેલ છે. ત્યાં દર્શન કરી અમે ગોપી તળાવ ગયાં. ગોપી તળાવમાં ભગવાન શ્રીકૃષ્ણએ અનેક લીલાઓ કરી છે.  ત્યાં દર્શન કરી અમે હર્ષદ જવાં નીકળ્યાં. હર્ષદ માતાજીનાં દર્શન કરી અમે ડુંગર ઉપર આવેલાં હર્ષદ માતાજીનાં પ્રાગટ્યસ્થાનનાં દર્શન કરવા ઉપર પહોંચ્યાં. ડુંગર ઉપરથી દરિયો નિહાળીને અમે રોમાંચીત થઈ ગયાં.  હર્ષદ અમે સૌ-સૌને ભાવતું ભોજન લીધું. દરિયાની ઠંડી હવા અને આહલાદક વાતાવરણ સૌને તાજગી આપી રહ્યાં હતાં.  અહીંથી અમે પોરબંદર જવા નીકળ્યાં. સ્લીપિંગ બસ હોવાથી ઘણાં સુઇ ગયાં હતાં. પોરબંદર અમે સાંજે પાંચેક વાગ્યે પહોંચ્યાં હોઈશું. ત્યાં અમે ચોપાટી ઉપર દરિયો જોયો. પોરબંદરમાં શ્રી રમેશભાઈ ઓઝાએ બંધાવેલ હરિમંદિર પ્રખ્યાત છે, તેની અમે મુલાકાત લીધી.  રાત્રિનાં અંધારામાં હરિમંદિરરોશનીથી ઝળહળી રહ્યું હતું. હરિમંદિરની વિશેષતાઓથી આચાર્યશ્રી જીજ્ઞેશભાઈએ બધાંને  અવગત કર્યા. શ્રી હરિમંદિરની એક વિશેષતા એ છે કે, ભગવાનશ્રી હરિનાં દર્શન કરતાં-કરતાં આપણે એક જ જગ્યાએથી મંદિરની ધજાનાં પણ દર્શન કરી શકીએ તેવી રીતે કાચની બારીઓ મુકવામાં આવી છે. મંદિરમાં ધીમેથી બોલતાં પરાવર્તનને કારણે આપણો અવાજ મોટો સંભળાય છે.  શ્રી હરિમંદિરનું સમગ્ર સંકુલ મનને શાંતિ આપે તેવું છે. મંદિર બહાર પાણી-પુરીનો નાસ્તો કરી અમે લગભગ રાત્રિનાં આઠેક વાગ્યે જુનાગઢ જવાં બસ ઉપાડી.  જુનાગઢ જવાહર રોડ પર આવેલાં  સ્વામિનારાયણ મંદિરમાં અગાઉથી ફોન કરી રાત્રિ રોકાણની વ્યવસ્થા કરી હતી.
                 પોરબંદરથી જુનાગઢની આ બસ મુસાફરી દરેકને જિંદગીભર યાદ રહેશે. કારણ કે,  આચાર્યશ્રી જીજ્ઞેશભાઈએ ડ્રાઈવરની કેબીનમાં રહેલાં ટેપમાં ડાકલાંની કેસેટ ચડાવીને  ડાકલાંની રમઝટ બોલાવી અને કેટલાય છોકરાવને ખમ્મા, ખમ્માં ..... નાં પડકારાં કરીને ધુણાવ્યાં. છોકરાં પણ ધુણવામાં કાંય કમ નહોતાં. એક બાજુ મુસાફરી ચાલું અને બીજી બાજુ ધુણવાની ધબધબાટી ચાલું. મહેશભાઈ મોરવાડિયાએ આ રમઝટનું લાઈવ-વીડીઓ શુટીંગ કર્યું. બધાં આ રમઝટથી હસી-હસીને ગોટો વળી ગયાં. ધુણવાની ધબધબાટીમાં માણાવદર આવી ગયું. ત્યાં બધાંએ ધરાઈને પાંવભાજી ખાધી. માણાવદરથી ઉપડીને અમે રાત્રિનાં અગીયારેક વાગ્યે જુનાગઢ પહોંચ્યાં. જુનાગઢ જવાહર રોડ પર આવેલાં  સ્વામિનારાયણ મંદિરમાં અમે રાત રોકાયાં. સવારે ઉપરકોટ, ભવનાથ તળેટી તથા દામોદર કુંડ જોયાં. ગિરનાર પર્વતનાં ૧૦૦૦ પગથીયાં ચડ્યાં. તળેટીમાંથી સૌએ પોતપોતાની મનપસંદ વસ્તુંઓની ખરીદી કરી. બપોરે સ્વામિનારાયણ મંદિરમાં સૌએ પ્રસાદ લીધો અને બપોર પછી અમે સક્કરબાગ જોવા ગયાં. સક્કરબાગ જોયાં પછી અંતાક્ષરી રમતાં-રમતાં અમે ફાચરિયા પહોંચ્યાં. આમ, અમારો આ દ્વારકાનો પ્રવાસ સૌને જીવનભર યાદ રહેશે.

No comments:

Post a Comment