Monday, March 24, 2014

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા

શ્રી સત્યનારાયણ ભગવાનની કથા

શ્રી ફાચરિયા પ્રાથમિક શાળા દ્વારા તા.૨૧-૩-૨૦૧૪ શુક્રવારના રાત્રિનાં ૮ વાગ્યે બાપા સિતારામનાં ઓટે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ કથા શાળામાં હાલમાં ધો.૨ માં ભણતી જીલ કલ્પેશભાઈ રુપાપરાએ કરાવેલ હાર્ટ ઓપરેશનની સફળતા માટે શાળા પરિવાર દ્વારા માનવામાં આવી હતી. ઓપરેશનની સફળતાનાં ભાગરુપે આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા આરોગ્ય તપાસણીમાં આ વિદ્યાર્થિનીનાં હ્યદયમાં તકલીફ જણાય હતી. અને, શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેજર ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશનની સફળતા માટે શાળા પરિવાર દ્વારા દરરોજ પ્રાર્થના કરવામાં આવતી. કહેવાય છે કે, માણસની જિંદગી માટે દવા અને દૂઆ બંનેની જરુર હોય છે. એક બાળકીની જિંદગી માટે શાળા પરિવાર દ્વારા આ બંને રસ્તા અપનાવવામાં આવ્યા હતાં.
             કથામાં જીલ રુપાપરા તથા બાળકોએ પૂજા-વિધિ કરી હતી. કથા સાંભળવા આખું ગામ ઉમટ્યું હતું. કથા પુર્ણ થયાં બાદ ધો.૭નાં  વિદ્યાર્થીઓને વિદાઈ આપવામાં આવી હતી.  સાથોસાથ મતદાર જાગૃતિ અભિયાનનાં ભાગરુપે ૧૦૦% મતદાન કરવા ગામલોકોને સમજ આપવામાં આવી હતી. વિશ્વમાં ભારત દેશની લોકશાહીની ગણના થાય છે, ત્યારે આ લોકશાહીનું  ૧૦૦% મતદાન કરીને રક્ષણ કરવાની જવાબદારી આપણી છે. આવી સમજ ગામલોકોને આપવામાં આવી હતી. ગામનાં મતદારોએ સહી કરીને સહીઝુંબેશમાં પણ ભાગ લીધો હતો.  આ કાર્યક્રમમાં નાયબ કલેકટરશ્રીએ પધારીને કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધાં હતાં. તેમણે આ નાના એવાં ગામનાં સંપ, સુહ્યદભાવ અને એકતાનાં વખાણ કર્યા હતાં.  નાયબ કલેકટરશ્રીએ આ મતદાન મથકને મોડેલ મતદાન મથક તરીકે જાહેર કર્યુ હતું. મોડેલ મતદાન મથક એટલે જ્યાં ૧૦૦% મતદાન થતું હોય, કોઇપણ પ્રકારનો વિવાદ થતો ન હોય, મતદાન મથક ઉપર ઉત્સવ જેવો માહોલ હોય, મતદાન મથકને આસોપાલવનાં તોરણ અને સુંદર રંગોળીથી (કોઈપણ પક્ષનાં નિશાનવાળી નહીં) શણગારવામાં આવ્યું હોય, મતદારો જ્યાં લાઈનમાં ઉભાં રહેતાં હોય ત્યાં મંડપ અથવા છાંયાની અને પીવાનાં પાણીની વ્યવસ્થા હોય. નાયબ કલેકટરશ્રીએ આ પ્રકારની વ્યવસ્થાની તપાસ કરી હતી અને આ મતદાન મથકને મોડેલ મતદાન મથક તરીકે જાહેર કર્યુ હતું.     
                  ખરેખર,શ્રી ફાચરિયા પ્રાથમિક શાળા દ્વારા કરવામાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું.






                       

1 comment:

  1. Great job .......excellent work for village & villagers

    ReplyDelete